ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. ભારત ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ટાઈટલ જીતનારો પ્રથમ દેશ બની ગયો છે. જીત બાદ ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. પરંતુ આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જે કર્યું તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
જ્યારે ભારત ફાઇનલમાં જીત્યું ત્યારે તમામ ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. અને સાઉથ આફ્રિકા સામે હાથ મિલાવવા લાઈનમાં ઉભા રહ્યા. ક્રિકેટ મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવવાનો રિવાજ છે. જ્યારે રોહિતે જોયું કે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ આવી ગયા છે, ત્યારે તેણે પોતાના સાથી ખેલાડીઓને આવવાનો સંકેત આપ્યો. કેપ્ટનના આદેશ પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સેલિબ્રેશન છોડીને દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે હાથ મિલાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમને મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ ફરી ઉજવણી કરવાનું શરૂ કર્યું. 2014થી ICC ઈવેન્ટ્સમાં નોકઆઉટમાં શરૂ થયેલી ભારતની હારનો સિલસિલો અણનમ રહ્યો હતો. T20 વર્લ્ડ કપથી લઈને ODI વર્લ્ડ કપ સુધી, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ આ વખતે આખરે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જીત મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું.
રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બની ગયો છે. 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં જ ભારતીય ટીમ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. હવે 2024માં રોહિત શર્મા ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ત્રીજા કેપ્ટન બની ગયા છે.