ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજકોટ, જામનગર અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સક્રિય થયું છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને વરસાદ પડી રહ્યો છે. આંકડા મુજબ, ગુજરાતમાં 1 જૂનથી 27 જૂન સુધીમાં 52% વરસાદ થયો છે. જે 1 થી 27 જૂન દરમિયાન જેટલો વરસાદ પડવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો છે. આ સમય દરમિયાન ગુજરાતમાં 90 મિલીમીટર વરસાદ પડવો જોઈએ.
અંબાલાલની આગાહી
રાજ્યમાં વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે આજથી બે દિવસ ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાતા સાયક્લોનિક સરક્યુલેશન અને દેશના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક પછી એક લો પ્રેશર સર્જાવાને કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.