આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો ૧૨મો દિવસ છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે “સંપૂર્ણ અને વ્યાપક” યુદ્ધવિરામની ઘોષણા કરી છે, પરંતુ તેમની ઘોષણાના કલાકો પછી, તેહરાને તેનો ઇનકાર કરતા કહ્યું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહીના અંત પર “કોઈ કરાર” થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે જો ઈઝરાયલ તેના આક્રમણ બંધ કરે તો તેમને યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી.
અરાઘચીએ કહ્યું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હતું અને જો ઈઝરાયલી શાસન તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેના ગેરકાયદેસર આક્રમણને બંધ કરે છે, તો તે પછી અમારો જવાબ ચાલુ રાખવાનો કોઈ ઈરાદો નથી.