ભારતમાં હાલમાં એવો માહોલ છે કે લોકસભાની ચૂંટણીની જ વાતો થઈ રહી છે. નેતાઓ પોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે તો કોઈ લોભામણી જાહેરાત કરી રહ્યા છે. લોકોમાં પણ ઉત્તેજના તેજ થઈ ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમુર ગામના અપક્ષ ઉમેદવાર વનિતા રાઉતે 2024ની લોકસભાની ચૂંટણી જીતવા પર લોકોને સબસિડીવાળા વ્હિસ્કી અને બીયર આપવાનું આશ્ચર્યજનક ચૂંટણી વચન આપ્યું છે.
ઓલ ઈન્ડિયા હ્યુમેનિટી પાર્ટીના ઉમેદવાર વનિતા રાઉતે તેના “ગરીબ મતદારો” માટે આશ્ચર્યજનક અને બિનપરંપરાગત ચૂંટણી વચન આપ્યું છે. વનિતા રાઉતે કહ્યું છે કે જો મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવશે તો તે દરેક ગામમાં બિયરબાર ખોલશે એટલું જ નહીં પરંતુ સાંસદ ફંડમાંથી ગરીબોને વ્હિસ્કી અને બિયર પણ મફત આપશે.
જ્યાં જ્યાં ગામ છે ત્યાં બિયરબાર હશે
વનિતા રાઉતે કહ્યું, “જ્યાં પણ ગામ છે ત્યાં બિયર બાર હશે. બસ આ જ મારો મુદ્દો છે.” રેશનિંગ સિસ્ટમ દ્વારા દારૂનું વચન આપતા, રાઉતે કહ્યું કે પીનાર તેમજ વેચનારને લાયસન્સની જરૂર પડશે. વનિતા રાઉત પોતાના વિચિત્ર ચૂંટણી વચનને યોગ્ય ઠેરવવાની પોતાની રીત હતી.
મહિલા નેતાએ શું આપી દલીલ?
તેમણે કહ્યું, “ખૂબ જ ગરીબ લોકો સખત મહેનત કરે છે અને દારૂ પીવામાં જ શાંતિ મેળવે છે. પરંતુ તેઓ ગુણવત્તાયુક્ત વ્હિસ્કી કે બીયર ખરીદી શકતા નથી. તેઓને માત્ર દેશી દારૂ જ પીવા મળે છે અને તેના જથ્થાની કોઈ મર્યાદા નથી, તેથી તેઓ એકદમ નશામાં રહે છે. તેથી હું ઇચ્છું છું કે તેઓ આયાતી દારૂનો અનુભવ કરે અને તેનો આનંદ માણે.
વનિતા અગાઉ પણ ચૂંટણી લડી ચૂકી છે
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે વનિતા રાઉત ચૂંટણી લડી રહી છે. તેમણે નાગપુરથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. જ્યારે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમને ચિમુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે 2019ની ચૂંટણી દરમિયાન પણ આ જ ચૂંટણી વચન આપ્યું હતું અને ચૂંટણી અધિકારીઓની કાર્યવાહીમાં તેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી.