ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવમાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડશે. છોટા ઉદેપુર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, નવસારીમાં પણ વરસાદની આગાહી છે.
બનાસકાંઠામાં 50થી વધુ વિદ્યાર્થીઓ નદીમાં ફસાયા
બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી નદીમાં નવા નીરની આવક થઈ હતી. દાંતાનાં બોરડીયા ગામના બાળકોએ બે કાંઠે વહેતી મકોડી નદીમાં જીવનાં જોખમે પાર કરી હતી. ત્યારે અચાનક જ નદીમાં પ્રવાહ વધતા 50 થી વધુ બાળકો નદીનાં કાંઠે ફસાયા હતા. ત્યારે ગામનાં લોકોએ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.