GST કાઉન્સિલની બેઠક શનિવારે (22 જૂન) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારનો હેતુ હંમેશા પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે રાજ્યોએ સાથે આવીને તેના દર નક્કી કરવાના છે.
નાણામંત્રીએ કહ્યું કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પહેલાથી જ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે. હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવા ચર્ચા કરવાની છે.
સીતારમણે કહ્યું, “GSTનો હેતુ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો હતો. હવે રાજ્યોએ દર નક્કી કરવાના છે. મારા પુરોગામી (અરુણ જેટલી)નો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો, અમે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા ઈચ્છીએ છીએ.
સીતારમણે કહ્યું કે GST લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારનો ઇરાદો થોડા સમય પછી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો હતો. તેમણે કહ્યું, “તેને GSTમાં લાવવાની જોગવાઈ પહેલેથી જ કરવામાં આવી છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે.
GST કાઉન્સિલની 53મી બેઠક 22 એપ્રિલ, 2024ના રોજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં GST કાઉન્સિલની આ પહેલી બેઠક હતી. આ પહેલા જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક લગભગ 8 મહિના પહેલા ઓક્ટોબર 2023માં મળી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બાકીના એજન્ડા પર ચર્ચા કરવા માટે કાઉન્સિલની આગામી બેઠક ઓગસ્ટમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરવામાં આવી છે, જે ઓગસ્ટમાં GST કાઉન્સિલને રિપોર્ટ કરશે.