બુલિયન માર્કેટમાં સોનું જોરદાર ચમક્યું, માત્ર 3 દિવસમાં અધધ વધારો, જાણો નવીનતમ ભાવ

રિટેલર્સ અને જ્વેલર્સ દ્વારા સતત ખરીદીને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા વધીને 80,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ…

Golds4

રિટેલર્સ અને જ્વેલર્સ દ્વારા સતત ખરીદીને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા વધીને 80,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ જાણકારી આપી છે.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 80,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. છેલ્લા ત્રણ સત્રમાં પીળી ધાતુના ભાવમાં આશરે રૂ. 2,000નો વધારો થયો છે. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત પણ 500 રૂપિયા વધીને 80,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. બુધવારે તે 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

વેપારીઓના મતે જ્વેલર્સની સતત ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “સોનામાં અસ્થિર રેન્જમાં વેપાર થયો હતો અને નજીવો પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરે જોવા મળ્યું હતું.

સોનાના વાયદાની કિંમત

ગુરુવારે સ્થાનિક વાયદા બજારમાં સોનું લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું હતું. MCX એક્સચેન્જ પર, 5 ફેબ્રુઆરી, 2025ના રોજ ડિલિવરી માટેનું સોનું ગુરુવારે સાંજે 0.29 ટકા અથવા રૂ. 232 ઘટીને રૂ. 78,770 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સાંજે, MCX પર, 5 માર્ચ, 2025 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.37 ટકા અથવા 356 રૂપિયા ઘટીને 95,446 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી.

સોનાની વૈશ્વિક કિંમત

સોનાના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટ એટલે કે કોમેક્સ પર સોનાની કિંમત 0.58 ટકા અથવા 16.10 ડોલર ઘટીને 2740.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ગોલ્ડ સ્પોટ 0.40 ટકા અથવા $10.92 ના ઘટાડા સાથે $2707 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.