બજેટમાં સોના-ચાંદી પર મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાને સોના, ચાંદી અને પ્લેટિનમ પરની આયાત ડ્યૂટીમાં 9 ટકાનો ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પરની આયાત જકાત 15% થી ઘટાડીને 6% કરવામાં આવી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ આયાત ડ્યુટી 15.4% થી ઘટીને 6.4% થઈ ગઈ છે.
જ્વેલરીના શેરમાં 12%થી વધુનો ઉછાળો
સોના અને ચાંદી પર આયાત ડ્યુટીની જાહેરાત બાદ જ્વેલરી શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન જ્વેલરી સ્ટોક ટાઇટનના શેર 6.50 ટકા, સેન્કો ગોલ્ડ 10 ટકા, કલ્યાણ જ્વેલર્સ 3.30 ટકા, મોતીલાલ જ્વેલર્સ 12.30 ટકા, રાધિકા જ્વેલર્સ 11.40 ટકા વધ્યા હતા.
સોનું 5.90 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સોના પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અગાઉ 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. એગ્રી સેસ 5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવ્યો છે. એકંદરે, સોના પરની કસ્ટમ ડ્યુટી 9 ટકા ઘટી છે. પહેલા બંને મળીને 15 ટકા હતા જે હવે ઘટીને 6 ટકા થઈ ગયા છે.
તેમનું કહેવું છે કે સોના પરની ડ્યૂટીમાં ઘટાડાથી સોનું 5 લાખ 90 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તું થયું છે. એટલે કે સોના પરની ડ્યુટી પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા ઘટી છે. એ જ રીતે એક કિલો ચાંદી પર ડ્યૂટી 12,700 રૂપિયા હતી જેમાં એક કિલો પર ડ્યૂટી ઘટાડીને 7,600 રૂપિયા કરવામાં આવી છે. આ સાથે પ્લેટિનમ પરની ડ્યૂટીમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.