હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે અને વરસાદ પણ વહેલો આવશે. પરંતુ, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરીને વિરામ લીધો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસું નિષ્ક્રિય છે. તેથી આગામી સમયમાં આ ચોમાસું ક્યારે બેસી જશે તેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા
ઉનાળાની સિઝન પૂરી થતાં જ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. જેથી ખેડૂતો પણ ચોમાસુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા છે. જો કે ખેડૂતો હાલ વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસિયાએ આ અંગે માહિતી આપી હતી.
વાવણી માટે યોગ્ય વરસાદની રાહ જોવી પડશે
હવામાનશાસ્ત્રી ધીમંત વઘાસિયા કહે છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને 10 જૂનથી સ્થિર થઈ ગયું છે.જે આગામી ત્રણ-ચાર દિવસ સુધી સ્થિર રહેશે. ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી નથી. ખેડૂતોને વાવણી માટે યોગ્ય વરસાદ માટે હજુ અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. 27 જૂન પછી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવણી માટે યોગ્ય વરસાદ જોવા મળશે.
ચોમાસું અત્યારે એક જગ્યાએ થંભી ગયું છે
હાલમાં અરબી સમુદ્રની સ્થિતિ મુજબ ચોમાસું એક જગ્યાએ થંભી ગયું છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાંથી વરસાદની સાનુકૂળ સ્થિતિ સર્જાશે. તેથી બંગાળની ખાડીમાંથી ચોમાસુ આગળ વધશે. 20 અને 21 જૂન પછી પવનની ઝડપ ગુજરાત તરફ આવતી જોવા મળશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની અનુકૂળ સ્થિતિ અનુભવાશે.