એક તરફ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાનમાં આવેલા ફેરફારને કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી સ્થિતિની આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી સ્થિતિ રહેશે. 21 અને 22 મેના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન વીજળી સાથે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
22 મેની આગાહી વિશે વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 23, 24 અને 25 મેના રોજ સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ જોવા મળી શકે છે. જ્યારે 26 અને 27 મેના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે, ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી ૧૨ કલાક પછી અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર અને ૩૬ કલાક પછી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ પણ આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૨૧ મે પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ૨૨ થી ૨૪ મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ૨૪ મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. તેથી, અમદાવાદમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

