ઉનાળાના આગમનની સાથે જ કારમાં AC નો ઉપયોગ વધી જાય છે. કારમાં એસી ચલાવવાથી માત્ર ગરમીમાં રાહત જ નથી મળતી પરંતુ લાંબી મુસાફરી પણ સરળ બને છે. જો કે, ઘણા લોકોને હંમેશા એ વાતની ચિંતા રહેતી હોય છે કે જો એસીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો કારનું માઈલેજ ઘટશે અને પેટ્રોલની કિંમત વધી જશે. કાર ચાલકોની આ ચિંતા ઉનાળામાં ઘણી વખત વધી જાય છે. ઘણા લોકો એ વાતને લઈને પણ ચિંતિત છે કે જો AC ફેનની સ્પીડ વધારવામાં આવે તો કારમાં વધુ ઓઈલ બળવા લાગશે.
તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે ફેનની સ્પીડ વધારવાથી માઈલેજ ઘટી જાય છે. આવી સ્થિતિમાં તેઓ કારની અંદર એસી ચલાવવાનું ટાળે છે અને ઘણા તો પંખાની સ્પીડ ઓછી રાખીને ગરમી પણ સહન કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે શું કાર એસીના ફેનની સ્પીડ વધારવાથી ખરેખર માઈલેજ ઘટે છે…
શું AC ચલાવવાથી માઈલેજ પર અસર થાય છે?
કારની એર કંડિશન સિસ્ટમ એન્જિન સાથે જોડાયેલ છે જે ચલાવવા માટે એન્જિનમાંથી પાવર લે છે. જેના કારણે એસી ચલાવવા માટે એન્જિન પરનો ભાર વધી જાય છે. એન્જિન વધુ પાવર જનરેટ કરવા માટે વધુ ઇંધણ બર્ન કરવાનું શરૂ કરે છે અને આ જ કારણ છે કે AC ચાલુ કરવાથી માઇલેજ ઓછું થાય છે. જો કે, જો એસીનો થોડો સમય ઉપયોગ કરવામાં આવે તો તેની માઈલેજ પર બહુ અસર પડતી નથી. એકવાર કેબિન ઠંડું થઈ જાય પછી, તમે ACને બંધ કરી શકો છો અથવા એર રિસર્ક્યુલેશન ચાલુ કરી શકો છો જે એન્જિન પરનો ભાર ઘટાડે છે. પરંતુ તેની સાથે એ સવાલ પણ ઊભો થાય છે કે પંખાની સ્પીડ વધારવાથી કારની માઈલેજ વધશે કે નહીં?
શું પંખાની ઝડપ વધવાથી માઈલેજ ઘટે છે?
ACની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કારના એન્જિન સાથે જોડાયેલ છે. AC ચાલુ થતાં જ તે એન્જિનમાંથી પાવર લેવાનું શરૂ કરી દે છે. જો કે, કાર AC ને અમુક ચોક્કસ શ્રેણી સુધી જ પાવરની જરૂર પડે છે. આ પાવરથી AC ના તમામ ઘટકો જેવા કે બટન, સ્વીચ, પંખા અને રેગ્યુલેટર કામ કરે છે. એટલે કે, જો તમે ACની પંખાની સ્પીડ વધારશો કે ઘટાડશો તો તેનાથી પાવર વપરાશ પર અસર નહીં થાય અને માઈલેજમાં કોઈ ફેરફાર નહીં થાય. કારમાં એસી કે હીટર ચાલુ કરવાથી એન્જિન પર વધારાનો ભાર પડે છે જે માઈલેજ ઘટાડે છે, પરંતુ પંખાની ઝડપ સાથે તેને કોઈ લેવાદેવા નથી.