ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં મંગળવારથી ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 20.15 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 29.15 ટકા જ્યારે કચ્છમાં 25.59 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 20.97 ટકા વરસાદ નોંધાયો છે. તો સિઝનનો 13.71 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પડી ચૂક્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 12.95 ટકા વરસાદ પડ્યો છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચાલુ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી સિસ્ટમ 15 જુલાઈએ બંગાળની ખાડી પર સક્રિય થશે જે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જી શકે છે. રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે.