ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. જગદીપ ધનખડના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે.
સીપી રાધાકૃષ્ણન કોણ છે?
સીપી રાધાકૃષ્ણનનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ થયો હતો. રાધાકૃષ્ણન 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના 24મા અને વર્તમાન રાજ્યપાલ તરીકે પોતાની ફરજો બજાવી રહ્યા છે. તેમણે ફેબ્રુઆરી 2023 થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ અને માર્ચ 2024 થી જુલાઈ 2024 સુધી તેલંગાણાના રાજ્યપાલ (વધારાનો હવાલો) અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (વધારાનો હવાલો) તરીકે પણ સેવા આપી છે. રાધાકૃષ્ણન ભાજપના સભ્ય હતા અને કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ પણ હતા.

