નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે નવરાત્રિમાં ખૈલાયાઓ આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો સંદેશ જારી કરી જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે.
ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે!
મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે, હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે! નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવી છે.
તેમણે આ જણાવ્યું કે આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે.’ ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણાં જ આજુબાજુના રહેતાં લોકો, હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે.