મેક્સિકો સિટીઃ અમેરિકાનો પાડોશી દેશ મેક્સિકોની સેનેટે એક વિવાદાસ્પદ ન્યાયિક સુધારાને મંજૂરી આપી છે, જેના હેઠળ ન્યાયાધીશોની પસંદગી લોકપ્રિય મત દ્વારા કરવામાં આવશે. આવું કરનાર મેક્સિકો દુનિયોનો પ્રથમ દેશ બની ગયો છે. જોકે, આ નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના
અમેરિકા ખંડમાં આવેલા મેક્સિકો દેશમાં હવેથી તમામ સ્તરે ન્યાયાધીશોની પસંદગી માટે મતદાન કરાવમાં આવશે. આમ કરનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે આ બિલને બુધવારે સેનેટમાં પસાર કરવામાં આવ્યું હતું. સેનેટમાં બિલની તરફેણમાં 86 અને વિરૂદ્ધમાં 41 મત મળ્યા, જેનાથી સત્તાધારી મોરેના પક્ષ અને તેના સાથી પક્ષો દ્વારા પ્રભુત્વ ધરાવતા ઉપલા ગૃહમાં બંધારણમાં સુધારો કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી.
રાષ્ટ્રપતિ ઓબ્રાડોર માટે મોટી જીત
બિલને રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરનું સમર્થન છે, આ બિલને રાષ્ટ્રપતિની મોટી જીત તરીકે બિરદાવવામાં આવી રહી છે. લોપેઝનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. મેક્સિકોની સર્વોચ્ચ અદાલત સાથે વારંવાર ઘર્ષણ થયા પછી રાષ્ટ્રપતિ સુધારાને ટેકો આપતા રહ્યા હતા. આ સાથે ઘણા વિપક્ષી સાંસદોએ પણ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું.
બિલનો દેશભરમાં વિરોધ
બિલ પાસ થયા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, જેમાં કોર્ટના કર્મચારીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ મોટા પાયે સામેલ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ પાસ થયા બાદ લોકલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ સહિત તમામ જજ વોટથી ચૂંટાશે. 2025 અથવા 2027માં લગભગ 1,600 જજોએ ચૂંટણી લડવી પડશે. હ્યુમન રાઈટ વોચે મેક્સિકોમાં પસાર થયેલા આ બિલને તેને ઘાતક ગણાવ્યું છે.