રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી…15 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થઈ જશે

ગયા વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૧૧ જૂને થઈ હતી, જેની સરખામણીમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આ વખતે ચોમાસુ વહેલું આવશે.…

Varsad

ગયા વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૧૧ જૂને થઈ હતી, જેની સરખામણીમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આ વખતે ચોમાસુ વહેલું આવશે. પરંતુ આ વખતે મોટાભાગની આગાહીઓ ખોટી પડી હોય તેવું લાગે છે. કારણ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ પછી એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રવિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ સહિત રાજ્યના ૮ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે, જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ નોંધાયું છે. ગાંધીનગર અને કંડલામાં તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રવિવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં હળવો થી મધ્યમ વરસાદ પડશે.

હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેથી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.