હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં ત્રાટકેલા ચક્રવાત યાગીની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે. હાલ ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે. આ સિવાય ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, તેથી આજથી વરસાદી વાતાવરણ સામાન્ય રહેશે.
ચક્રવાત યાગીએ ઘણા દેશોમાં તબાહી મચાવી છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. થાઈલેન્ડમાં ટાયફૂન યાગીએ 33 લોકોના મોત કર્યા છે. થાઈલેન્ડના શહેરો કમર સુધી પાણીમાં ગરકાવ છે. તો વિયેતનામમાં ટાયફૂન યાગીના કારણે 200 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ચક્રવાત યાગીના કારણે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ છે. પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ચીનના ગુઆંગસીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીનમાં ટાયફૂન યાગીના કારણે થયેલા વિનાશના ડ્રોન ફૂટેજ હેરાન કરનાર છે.
ક્યાં અને કેટલો વરસાદ આવ્યો
ગઈ કાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 80 તાલુકાઓમાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. માત્ર 21 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. દાહોદના સિંહવડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપી, નર્મદાના ડેડીયાપાડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નસવાડી, દેવગઢબારિયા, લીમખેડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજ, વાલોલ, ડોલવણમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ફરી વરસાદના યોગ બનશે
અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનમાં જોરદાર વાવાઝોડું સર્જાશે અને તેની અસર બંગાળની ખાડીમાં પડશે. આ ઊંડા ડિપ્રેશન તરફ દોરી જશે. પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનશે. 12-13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફારને કારણે ભારે વરસાદની સંભાવના છે. 15-16-17 સપ્ટેમ્બરે પશ્ચિમ વિક્ષા આવશે. જેની ગુજરાત પર મોટી અસર પડશે જેના કારણે 22મીથી 25મીએ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 9 થી 10 ઓક્ટોબર સુધી સૂર્ય ચિત્ર નક્ષત્રમાં વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર આખી રાત કાળા વાદળોથી ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની સંભાવના છે.