શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોએ 3 લાખ કરોડ રૂપિયા કેમ ગુમાવ્યા?

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળ્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કામકાજમાં માર્કેટમાં તીવ્ર ઘટાડો થયો હતો અને સેન્સેક્સ લગભગ 900…

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળ્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કામકાજમાં માર્કેટમાં તીવ્ર ઘટાડો થયો હતો અને સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સના 30માંથી 29 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ટ્રેડિંગ સેશનના પહેલા કલાકમાં સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે નિફ્ટીમાં પણ 250થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સતત બીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

શુક્રવારે સવારે સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને 82,171 પોઈન્ટ પર ખુલ્યો હતો. પરંતુ થોડીવારમાં જ બજાર પડી ભાંગ્યું. સેન્સેક્સ ઘટીને 81,304 પોઈન્ટ પર આવી ગયો હતો. એક દિવસ પહેલા ગુરુવારે તે 82,201 પોઈન્ટ પર બંધ થયો હતો. સૌથી મોટો ઘટાડો SBIના શેરમાં જોવા મળ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ 50થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 25,093 પોઈન્ટ પર ખુલ્યો હતો અને બાદમાં તે 24,879 પોઈન્ટની સપાટીએ ગબડી ગયો હતો. નિફ્ટી મિડ કેપ અને બેન્ક નિફ્ટી પણ લાલ નિશાનમાં કારોબાર કરતી જોવા મળી હતી.

શા માટે ઘટાડો થયો?
બજારમાં ઘટાડાનું કારણ વૈશ્વિક બજાર લાલ નિશાનમાં બંધ થવાની સાથે પ્રોફિટ બુકિંગ પણ માનવામાં આવી રહ્યું છે. સવારે જ સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો થવાને કારણે રોકાણકારોને અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે. આ ઉપરાંત, વિશ્વભરના રોકાણકારો યુએસ જોબ્સના મુખ્ય ડેટાના આગમન પહેલા સાવચેત રહે છે. ટ્રેડિંગ સેશન દરમિયાન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

નોકરીઓનો ડેટા બહાર આવે તે પહેલા રોકાણકારો એલર્ટ
ડૉ. વી.કે. વિજયકુમાર, ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસે જણાવ્યું હતું કે, ‘આજે રાત્રે પ્રકાશિત થનાર યુએસ જોબ્સના ડેટાની અસર બજાર પર જોવા મળશે. એક સામાન્ય સર્વસંમતિ છે કે ફેડ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરશે, પરંતુ કાપની મર્યાદા જોબ્સના ડેટા દ્વારા નક્કી કરવામાં આવશે. જો ઓગસ્ટમાં નોકરીઓની સંખ્યા બજારની અપેક્ષા કરતાં ઓછી હોય અને બેરોજગારી અપેક્ષા કરતાં વધુ વધે તો ફેડ દરમાં 50 bpsનો ઘટાડો કરી શકે છે.

એક દિવસ પહેલાની સ્થિતિ
એક દિવસ પહેલા ગુરુવારે સાંજે પણ ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ગુરુવારે સાંજે BSE સેન્સેક્સ 151 પોઈન્ટ ગબડ્યો હતો. વૈશ્વિક બજારના નકારાત્મક વલણ વચ્ચે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને એલએન્ડટીના ઘટાડાને કારણે બજાર નીચે આવ્યું હતું. આ દિવસે BSE સેન્સેક્સ 151.48 પોઈન્ટના ઘટાડા સાથે 82,201.16 પોઈન્ટ પર બંધ થયો હતો. પ્રારંભિક ઉછાળો છતાં નેશનલ સ્ટોક એક્સચેન્જ 53.60 પોઈન્ટના ઘટાડા સાથે 25,145.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *