નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલ્વે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે આ અકસ્માતની સંપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે જેથી તેના કારણો શોધી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.
આ ભાગદોડમાં અત્યાર સુધીમાં ૧૮ લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ હોસ્પિટલના ડોકટરો સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ઘાયલોની સારવાર અંગે નવીનતમ માહિતી મેળવી. તેમણે ઘાયલોના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે અપડેટ્સ મેળવ્યા અને પુષ્ટિ આપી કે તેમને હોસ્પિટલમાં જરૂરી તબીબી સહાય મળી રહી છે.
આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે પ્લેટફોર્મ નંબર 13 અને 14 પાસે બની હતી, જ્યારે અચાનક પ્લેટફોર્મ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ અચાનક અને અણધારી ભીડને કારણે, કેટલાક મુસાફરો બેભાન થઈ ગયા અને અફવા ફેલાઈ ગઈ કે ભાગદોડ થઈ છે. આ અંધાધૂંધીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. બાદમાં, રેલ્વે અને પોલીસ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી, ભીડને કાબૂમાં લીધી અને સુરક્ષા સુનિશ્ચિત કરી.
ભીડ દૂર કરવા માટે ઉત્તર રેલ્વેએ તાત્કાલિક 4 ખાસ ટ્રેનો ચલાવવાનું શરૂ કર્યું, જેના કારણે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ ગઈ. રેલ્વે મંત્રાલયે આ ઘટના પાછળનું સાચું કારણ શોધવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે માટે અકસ્માતની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.