ટ્રાન્ઝેક્શન માટે UPIનો ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર છે. UPIની વધતી જતી લોકપ્રિયતાને વધુ પ્રોત્સાહન આપવા માટે RBIએ UPI Lite વૉલેટની મર્યાદા રૂ. 2,000 થી વધારીને રૂ. 5,000 અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1,000 કરવાની દરખાસ્ત કરી છે. દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે સતત નવીનતા અને સ્વીકૃતિ સાથે UPI એ ડિજિટલ ચૂકવણીને સરળ અને સમાવિષ્ટ બનાવીને દેશના નાણાકીય લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે.
તેમણે કહ્યું કે તેના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવા અને તેને વધુ સમાવિષ્ટ બનાવવા માટે UPI 123 પેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. UPI વોલેટની મર્યાદા રૂ. 2,000થી વધારીને રૂ. 5,000 અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં UPI Lite વૉલેટની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 2,000 અને રૂ. 500 પ્રતિ ટ્રાન્ઝેક્શન છે.
ચકાસણી સુવિધા
RBIના નિવેદન અનુસાર, ઑફલાઇન ડિજિટલ માધ્યમો દ્વારા નાના મૂલ્યની ચુકવણીની સુવિધા આપવા માટે UPI લાઇટ સંબંધિત રિઝર્વ બેંકના માળખામાં યોગ્ય સુધારા કરવામાં આવશે. વધુમાં, UPI 123 પે સુવિધા હવે 12 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ સાથે NEFT અને RTGSમાં UPI અને IMPSની જેમ ફંડ ટ્રાન્સફરને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ખાતાધારકના નામની ચકાસણીની સુવિધા પણ હશે.
હાલમાં UPI અને IMPS હેઠળ, મોકલનારને પૈસા મોકલતા પહેલા પ્રાપ્તકર્તાના નામની ચકાસણી કરવાની સુવિધા મળે છે. દાસે કહ્યું કે હવે RTGS અને NEFT હેઠળ રકમ મોકલવાથી લાભાર્થીના નામની ચકાસણી કરવામાં સરળતા રહેશે. તેનાથી ખોટા વ્યક્તિ પાસે પૈસા જવાની અને છેતરપિંડી થવાની સંભાવના ઓછી થશે. આરબીઆઈએ કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.