વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે (19 જૂન) કેન્દ્રીય કેબિનેટે 14 ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી હતી. નિર્ણયની જાહેરાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેબિનેટે ડાંગર, રાગી, બાજરી, જુવાર, મકાઈ અને કપાસ સહિત 14 ખરીફ સિઝનના પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી છે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “વડાપ્રધાન મોદીનો ત્રીજો કાર્યકાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ખેડૂતોના કલ્યાણ માટે ઘણા નિર્ણયો દ્વારા પરિવર્તન સાથે સાતત્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.” તેમણે કહ્યું કે ખરીફ સિઝન શરૂ થઈ રહી છે, ખેડૂતોને પ્રાથમિકતા આપીને કેબિનેટ દ્વારા 14 પાક પર MSPને મંજૂરી આપવામાં આવી છે. MSP ઓછામાં ઓછો 1.5 ગણો હોવો જોઈએ. ડાંગરની નવી એમએસપી રૂ. 2300 કરવામાં આવી છે, જેમાં રૂ. 117નો વધારો થયો છે. 2013-14ની કિંમત 1310 રૂપિયા હતી.
કયા પાક પર કેટલી MSP?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કપાસની MSP 7121 રૂપિયા છે. 501 રૂપિયાનો વધારો થયો છે. 2013-14માં તે 3700 રૂપિયા હતો. રાગી – 4290, મકાઈ – 2225 રૂપિયા, મગ – 8682, તુવેર – 7550, અડદ – 7400 સીંગતેલ – 6783 રૂપિયા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશભરમાં બે લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ બે ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવ્યો છે. હવે તેના પર વૃદ્ધિ સારી છે. ખેડૂતો પર ફોકસ છે.