ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવા જવાના રસ્તે પણ ભુક્કા બોલાવ્યા છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. નવરાત્રિના માત્ર 6 દિવસ પહેલા ગુજરાતમાં મુશળધાર વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે. અમદાવાદ, જસદણ, ખેડાણા નડિયાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય પરિભ્રમણની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.