૨૪ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન કે ચક્રવાત બનવાની શક્યતા છે, જે દક્ષિણપૂર્વ કિનારાને અસર કરશે. આના કારણે દક્ષિણપૂર્વ કિનારા પર ૮૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને જો ચક્રવાત બને છે, તો પવનની ગતિ વધુ ઝડપી રહેશે. આ સિસ્ટમ છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે.
૨૨ નવેમ્બરે દેશના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ૧૯ તારીખથી હળવું વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે, નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં સવારે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 13 ડિગ્રી સુધી ઘટી શકે છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઠંડી પડી શકે છે, દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન 20 ડિગ્રી સુધી વધી શકે છે, રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 17 થી 18 ડિગ્રી રહી શકે છે, મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાંથી આવતા ઠંડા પવનોએ ગુજરાત સહિતના વિસ્તારોમાં ઠંડીમાં વધારો કર્યો છે. જોકે, આ ઠંડીનો સમયગાળો ટૂંકા વિરામ સાથે ચાલુ રહેશે. તેમની આગાહી મુજબ, 18 થી 20 નવેમ્બર સુધી રાજ્યના તાપમાનમાં મધ્યમ વધારો થવાની સંભાવના છે અને હવામાન મોટે ભાગે શુષ્ક રહેવાની સંભાવના છે. ખેડૂતો માટે તેમના પાકની સંભાળ રાખવા માટે આ સમયગાળો અનુકૂળ રહેશે.
નવેમ્બર મહિનામાં દરિયાઈ પ્રણાલીની ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૧૯ નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો ડિસ્ટર્બન્સ સિસ્ટમ બનવાની શક્યતા છે. આ ઉપરાંત, ૨૪ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બની શકે છે.

