હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી વાતાવરણની શક્યતા વ્યક્ત કરી છે, અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે રાજ્યમાં વરસાદ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે 7 દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ચક્રવાતી પરિભ્રમણની અસરથી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આજની વાત કરીએ તો, એટલે કે 16 મેના રોજ, હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
એકે દાસે ગુરુવારે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ (15-17 મે) દરમિયાન ગુજરાતમાં તાપમાન 2-4 ડિગ્રી વધવાની શક્યતા છે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આગામી 4 દિવસ (18 થી 21 મે) દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
વરસાદ પડવાના કારણ વિશે વાત કરતા એકે દાસે ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે.
IMD અમદાવાદ અનુસાર, 17 થી 20 તારીખ સુધી રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.
એક તરફ વરસાદની શક્યતા છે, તો બીજી તરફ રાજ્યમાં તાપમાન પણ વધી રહ્યું છે. જેમાં ભેજના કારણે ગરમી અસહ્ય બની રહી છે. આવી સ્થિતિમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

