જન્માષ્ટમી પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આકાર લઈ રહી છે. જેના…

Varsad

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આકાર લઈ રહી છે. જેના કારણે 16 ઓગસ્ટ પછી ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ઝોનમાં આજે વરસાદ શરૂ થઈ ગયો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે જ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, સુરત અને તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ બંને જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે દમણ અને દાદરાનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું હોવાથી, આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી છે. 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમલ્હાર છવાઈ જશે તેવા સંકેતો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 12 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગુજરાતમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે. ઓગસ્ટની શરૂઆતમાં વધુ વરસાદ શરૂ થયો છે, આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, વરસાદને કારણે વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી સ્થિતિ જોવા મળી છે

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદે જોર પકડ્યું છે, વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લો વરસાદથી ઝપટમાં છે. ભારે વરસાદને કારણે વલસાડ શહેરના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. શહેરની નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ ભારે વરસાદને કારણે અસર થઈ છે. વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઓવરબ્રિજનો સર્વિસ રોડ પાણીથી ભરાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છિપવાડ હનુમાનજી મંદિર, એમજી રોડ પાણીથી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે છિપવાડ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ વાપી, કપરાડા અને ધરમપુરમાં પણ છૂટાછવાયા વરસાદ પડ્યા છે.