ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠે ઓફશોર ટર્ફ સર્જાઈ છે. શીયર ઝોન પણ નીચલા અને મધ્યમ સ્તરે છે. જે ધીમે ધીમે દક્ષિણ તરફ સરકી રહી છે. જેથી કચ્છથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જો કે, ગુજરાત માટે મોટા અને રાહતના સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં આગામી બે દિવસમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જે ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઈને ઉત્તર-પશ્ચિમ દિશામાં ગુજરાત-રાજસ્થાન તરફ આગળ વધશે. ચોમાસું સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાનમાં મુશળધાર અને વ્યાપક વરસાદ આપશે.
વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. જો કે, હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે રેડ એલર્ટ સાથે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આજે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, નર્મદા ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, વડોદરામાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.