રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પાણી ભરાશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને રાજ કરશે.
આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચના વાલિયામાં ભારે વરસાદ
છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. હવામાન વિભાગ અને આગાહીકારો હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.