રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ કહેર મચાવ્યો છે અને આ કહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે પણ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા પધરામણી કરશે.
ગઈકાલે 237થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ સત્સાટી બોલાવી હતી
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગઇકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સત્સાટી બોલાવી હતી, જયારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકના જીલ્લાઓમાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વોર્ડ નંબર 2માં પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘરોની આસપાસ પાણી ભરાઈ જતાં 50 જેટલા લોકોને બચાવી લેવાયા હતા. ધારાસભ્ય રીવાબા પણ રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખેડાના મહેમદાવાદના સિંહુજ પાસે કાર ધસમસતા પાણીમાં ફસાઈ જતાં કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો.