મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી છે. રુતુરાજ IPL 2024માં CSKના કેપ્ટન તરીકે જોવા મળશે. CSKએ સત્તાવાર વેબસાઈટ પર નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈની કપ્તાની ધોની સિવાય કોઈ અન્ય વ્યક્તિ કરશે. ધોનીએ આ પહેલા રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપ સોંપી હતી. પરંતુ જાડેજાએ આ જવાબદારી ધોનીને પાછી આપી હતી.
કારણમાં એવું જાણવા મળી રહ્યું છે કે ધોની 42 વર્ષનો છે અને તે લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે IPLમાંથી પણ સંન્યાસ લઈ શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ધોની આ સિઝનમાં પોતાના કરિયરની છેલ્લી મેચ રમી શકે છે. જો કે, જ્યારે તેને છેલ્લી સિઝનમાં નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે નિવૃત્તિ વિશે કોઈ સંકેત આપ્યો ન હતો. પરંતુ હવે તે નિવૃત્ત થઈ શકે છે. એટલે બની શકે કે આ એક મોટો સંકેત હોય.
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે ધોની હવે ટીમનો કેપ્ટન નથી, તેણે રુતુરાજ ગાયકવાડને કેપ્ટન્સી સોંપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એમએસ ધોનીએ ટાટા આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. રૂતુરાજ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે.
IPLએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમોની કેપ્ટનશિપ ટ્રોફી સાથેના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં ધોની નથી, પરંતુ તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ઉભો જોવા મળી રહ્યો છે. IPLએ પણ એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન છે.’ આ પોસ્ટ પછી ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની રીતે સારી અને ખરાબ કોમેન્ટ કરી રહ્યાં છે.