રાજકોટઃ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાતી ભાજપના ગ્રુપમાં અશ્લીલ ક્લિપ પોસ્ટ મુકાતા ખળભળાટ મચી ગયો છે. શરમજનક વાત તો એ છે કે આ ગ્રુપમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ હતા. સોશિયલ મીડિયા પર અત્યારે આ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યાં છે.
રાજકોટ વોર્ડ નંબર 4 ના ગ્રૂપમાં ભાજપના કિસાન મોરચાના ગ્રૂપમાં એક કાર્યકર દ્વારા 6 અશ્લીલ વીડિયો મુકાયા હતા. આ જ ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર પણ સામલ છે. આ અશ્લીલ સામગ્રી જોઈને મહિલા સદસ્યો શરમમાં મુકાય ગયા હતા અને ફટાફટ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગઈ હતી. જણાવી દઇએ કે આ વોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે.
વોર્ડ નંબર 4ના બૂથ નબંર 56 ના મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ તમામ વીડિયો પોસ્ટ થયા હતા. આ મામલે ખુલાસો કરતા મનીષ પલસાણાએ કહ્યું કે, , તેમનો ફોન વાડીના મજુર પાસે હોય તેણે ભૂલથી આ ફોટા અને વીડિયો તેમના મોબાઈલના અલગ અલગ વોટસએપ ગ્રુપમાં સેન્ડ કરી દીધા છે. તેમણે પોતાનો મોબાઈલ ફોન હેક થઈ ગયાનું જણાવી બચાવ કર્યો હતો.
શહેર ભાજપમાં આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ વીડિયો મોકલાયા છે. કાર્યકરને તાત્કાલિક અસરથી ગ્રૂપમાથી રિમૂવ કરાયા છે. સ્થાનિક અગ્રણીઓ આ મામલે તપાસ કરશે.
આ વીડિયોના સ્ક્રીન શોટ થોડી જ વારમાં મીડિયા તેમજ અન્ય ગ્રુપમાં પોસ્ટ થઈ જતાં આ મામલે ભારે ચકચાર મચી છે. જણાવી દઇએ એ કે રાજકોટમાં બે વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. મવડીમાં એક ભાજપ અગ્રણીએ મહિલાઓ પણ સદસ્ય હોય તેવા ગ્રૂપમાં ન્યૂડ ફોટો મૂક્યા હતા. ત્યારે બે વર્ષ બાદ ફરી આવી ઘટના બની છે.