ગુજરાતમાં એક તરફ નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીંકાયો છે. રાજકોટમાં આયાત ડ્યુટીમાં વધારાનાં પગલે કપાસીયા અને પામોલીન તેલમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.
રાજ્યમાં હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. એવામાં જ રાજકોટમાં આયાત ડ્યુટીમાં વધારાનાં પગલે કપાસીયા અને પામોલીન તેલનાં ભાવમાં વધારો થયો છે. કપાસિયા અને પામોલીન તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે. સન ફ્લાવર, તેલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 50 નો વધારો થયો હતો. આયાત ડ્યૂટી વધ્યા બાદ હાજર માલની ખેંચનાં બહાના હેઠળ ભાવમાં સતત વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2080થી વધીને 2130 થયો છે. પામોલીન તેલનો ડબ્બો 1885થી વધીને 1935 થયો છે.
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી થઇ ગઇ છે. મોંઘવારીના મારમાં પીસાયેલી જનતાને ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં મોટો ફટકો પડ્યો છે. હજુ 12 સપ્ટેમ્બર અને 15મી સપ્ટેમ્બરે જ તેલના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખુલતા બજારે તેલમાં ભાવ વધારો થયો છે.
માત્ર આઠ દિવસમાં સતત ત્રીજી વાર તેલના ભાવમાં વધારો થયો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ પર પણ અસર થવા પામશે. બીજી તરફ નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોમાં પણ મીઠાઈનાં ભાવમાં વધારો થઈ શકે છે.