બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હવે અહીંથી ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચશે.
અમદાવાદ: રાજ્યમાં વરસાદની રાહ થોડા દિવસોમાં સમાપ્ત થતી જોવા મળી રહી છે. હવે બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જે હવે લો પ્રેશરમાં ફેરવાશે. આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે અને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, 13 ઓગસ્ટના રોજ પશ્ચિમ મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તરપશ્ચિમમાં લો-પ્રેશર ક્ષેત્ર બનવાની સંભાવના છે અને તે આગામી 48 કલાક દરમિયાન વધુ તીવ્ર બનશે.
બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હવે ભેજવાળા પવનો અહીંથી ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
એક અંદાજ મુજબ, આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. જોકે, જન્માષ્ટમી એટલે કે 16 ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થઈ શકે છે.

