રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે. આવી સ્થિતિમાં, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 25 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની અપેક્ષા છે. ત્યારબાદ, 27 કે 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. આ રાઉન્ડ જુલાઈના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.
આગામી વરસાદનો રાઉન્ડ ભારે અને વ્યાપક હોવાની શક્યતા છે. આ વરસાદ સારો અને વાવણી માટે યોગ્ય હોવાની શક્યતા છે. ગરમી અને ભેજ 30 જૂન સુધી ચાલુ રહેશે.
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 30 જૂન દરમિયાન બંગાળની ખાડીની ગતિવિધિને કારણે, રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે.
નોંધનીય છે કે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે. આજે, સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જોડિયામાં સૌથી વધુ 7.2 ઇંચ, મેંદરડામાં 5.9 ઇંચ, પલસાણામાં 5.6 ઇંચ, વંથલીમાં 5.2 ઇંચ, કપરાડામાં 5.1 ઇંચ, અમીરગઢ અને કેશોદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે આજે 23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

