ગુજરાતમાં ચોમાસુ આવવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં ચોમાસુ સત્તાવાર રીતે રાજ્યમાં આવી જશે અને વરસાદી વાતાવરણ શરૂ થશે. આ દરમિયાન, આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે….. જાણો તેની આગાહી…
૧૫ જૂન પછી રાજ્યમાં વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે. ૧૨ જૂને આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે એક સિસ્ટમ વિકસિત થવાને કારણે, બંગાળની ખાડીમાં એક નીચું દબાણ સર્જાશે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને મહારાષ્ટ્ર પહોંચશે, મુંબઈ નજીક રોકાયેલું ચોમાસુ ૧૫ જૂનની આસપાસ ફરી સક્રિય થશે અને આગળ વધશે, જેના કારણે ૧૬ જૂન, ૧૭ જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસુ સ્થિર થઈ શકે છે.
૧૭ જૂનની આસપાસ બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે અને ૨૨ જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ, ૩૦ જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં વ્યાપક વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 13 જૂન, ગુરુવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 અને 15 જૂનની આગાહીની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે.

