હવામાન વિભાગે 24 થી 27 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. અરબી સમુદ્રમાં હાલમાં સક્રિય વોલમાર્ક લો-પ્રેશરને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. તેથી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. વાવાઝોડાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેથી, દરિયામાં કરંટને કારણે મોટા મોજા ઉછળી રહ્યા છે.
આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, આજે (24 મે) વરસાદી સિસ્ટમ લો-પ્રેશર વિસ્તારમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. એટલે કે, આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં મુંબઈમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.

