ગુજરાતમાં ઘણા દિવસોથી ચાલી રહેલા હળવો વરસાદ ગરમીથી રાહત આપી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી, પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પણ વરસાદ પડી રહ્યો છે. આજે અને કાલે હવામાન કેવું રહેશે, ચાલો જાણીએ IMD ના નવીનતમ અપડેટ્સ
છેલ્લા કેટલાક દિવસોથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૌરાષ્ટ્રમાં રચાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. એક તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, તો બીજી તરફ, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે, જે આગામી દસ દિવસમાં કેરળના દરિયાકાંઠે પહોંચશે. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસુ કેરળના ચાર દિવસ વહેલા પહોંચવાની ધારણા છે. તેવી જ રીતે, ચોમાસુ સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચે છે, પરંતુ જો ચોમાસુ આ ગતિએ ચાલુ રહેશે, તો તે વહેલું દસ્તક આપશે. એટલે કે, 22 મેથી વરસાદ શરૂ થઈ શકે છે.
હાલમાં, રાજ્યમાં વરસાદી વાતાવરણ ચાલુ છે. આજે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સાથે ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં (2 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના નિઝરમાં 20 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજકોટ, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ બની શકે છે. જેના કારણે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તો ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, પરંતુ જો તે અન્યત્ર આગળ વધે તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

