દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ખાસ વાત એ છે કે શહેરો અને ગામડાં બંનેમાં નાણાકીય વર્ષ 2024માં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, શહેરો કરતાં ગામડાઓમાં વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા. બિહારમાં ગરીબીના આંકડામાં જબરદસ્ત સુધારો થયો છે.
આ સાથે જ ઉત્તર પ્રદેશનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ પહેલીવાર 5 ટકાથી નીચે ઘટીને 4.86 ટકા થઈ ગયું છે, જે નાણાકીય વર્ષ 2023માં 7.2 ટકા હતું. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ 4.6 ટકાથી ઘટીને 4.09 ટકા થયું છે.
રિપોર્ટ અનુસાર ગામડાઓ અને શહેરોની માસિક માથાદીઠ આવકમાં તફાવત પણ ઝડપથી ઘટી રહ્યો છે. જ્યારે 2009-2010માં, શહેરો અને ગામડાઓ વચ્ચે માસિક કૅપ્ટા આવકમાં તફાવત 88.2% હતો, તે હવે ઘટીને 69.7% થઈ ગયો છે. ગ્રામીણ ગરીબી ગુણોત્તરમાં ઘટાડો વપરાશમાં તીવ્ર વધારાને કારણે આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાને કારણે ગ્રામીણ વિસ્તારો ઝડપથી સમૃદ્ધ બની રહ્યા છે અને શહેરી અને ગ્રામીણ આવક વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. શહેરી-ગ્રામીણ અંતર ઘટાડવાનું બીજું કારણ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર (DBT) દ્વારા સરકારી યોજનાઓના ટ્રાન્સફરમાં વધારો છે.
માસિક આવક કેટલી
SBIના આ અહેવાલમાં, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચેની વ્યક્તિઓનો માસિક ખર્ચ રૂ. 1,632 અને શહેરી વિસ્તારો માટે રૂ. 1,944 અંદાજવામાં આવ્યો છે. અગાઉ 2011-12માં આ આંકડો ગામ અને શહેર માટે અનુક્રમે રૂ. 816 અને રૂ. 1000 હતો. એટલે કે વપરાશ વધ્યો છે. આ સાથે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગરીબીનો દર હવે 4 ટકાથી 4.5 ટકાની વચ્ચે રહી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંભવ છે કે 2021ની વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ આ આંકડાઓમાં નાના ફેરફારો થઈ શકે છે અને ગ્રામીણ-શહેરી વસ્તીના નવા આંકડા પ્રકાશિત કરવામાં આવશે. અમારું માનવું છે કે શહેરી ગરીબી વધુ ઘટી શકે છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના ઉચ્ચ આવક ધરાવતા રાજ્યોમાં બચત દર રાષ્ટ્રીય સરેરાશ (31 ટકા) કરતા વધારે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં બચતનો દર ઓછો છે, જે સંભવતઃ રાજ્યની બહાર રહેતી વસ્તીના મોટા ભાગને કારણે છે.