કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન સહિત અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન નિધિ હેઠળ 19મો હપ્તો મળવાની રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરી છે.
વેરહાઉસમાં રાખવામાં આવેલા અનાજ પર લોન મળશે
કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે ઈલેક્ટ્રોનિક વેરહાઉસ રસીદોનો લાભ લઈને ખેડૂતોને લણણી પછીની ધિરાણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રૂ. 1,000 કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) રજિસ્ટર્ડ રિપોઝીટરીઝ દ્વારા જારી કરાયેલ ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ (e-NWRs) સામે લોન આપવા માટે બેન્કોની અનિચ્છા ઘટાડવાનો છે.
લણણી પછીનું ધિરાણ રૂ. 5.5 લાખ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું હતું કે હાલમાં કાપણી પછીનું ધિરાણ કુલ 21 લાખ કરોડ રૂપિયાના કૃષિ ધિરાણમાંથી માત્ર 40,000 કરોડ રૂપિયા છે. હાલમાં e-NWR હેઠળ લોન માત્ર રૂ. 4,000 કરોડ છે. ચોપરાએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે આગામી 10 વર્ષમાં 5.5 લાખ કરોડ રૂપિયા સુધીનું ધિરાણ વધી જશે.”
વેરહાઉસ રજીસ્ટ્રેશન વધારવાની જરૂર
સેક્રેટરીએ ઈ-કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા, ખેડૂતોમાં ગેરંટી ધિરાણ અંગે જાગૃતિ લાવવા, ડિપોઝિટરી ચાર્જની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજિસ્ટ્રેશનને વર્તમાન 5,800થી વધુ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.