બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન દાના હવે વિનાશક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેના જોખમને જોતા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે બંને રાજ્યોના અનેક જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
150થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી
ચક્રવાતી વાવાઝોડા દાનાની અસરને કારણે ભારે વરસાદ અને ભારે પવનની શક્યતા છે. જેના કારણે બંને રાજ્યોમાં 150થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં હાવડા-સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ, કામાખ્યા-યસવંતપુર એસી એક્સપ્રેસ, હાવડા-પુરી શતાબ્દી એક્સપ્રેસ, હાવડા-ભુવનેશ્વર શતાબ્દી એક્સપ્રેસ અને હાવડા-યશવંતપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
રેલવેના જણાવ્યા મુજબ જે ટ્રેનો રદ કરવામાં આવી છે તે 23 થી 25 ઓક્ટોબર સુધી ઉપડવાની હતી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો સ્થિતિ વધુ વણસી તો વધુ ટ્રેનો રદ કરવામાં આવી શકે છે.
ચક્રવાત 24-25 ઓક્ટોબરની રાત્રે દરિયાકાંઠે ત્રાટકી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન 24 ઓક્ટોબરની રાત્રે અથવા 25 ઓક્ટોબરની સવારે પુરી અને સાગર દ્વીપ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ઓડિશામાં જોવા મળી શકે છે. આ ઉપરાંત આ ચક્રવાતની અસરને કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર
ચક્રવાતી તોફાન દાનાને કારણે કોસ્ટ ગાર્ડ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પછી તેમને મંગળવારે જ સંભવિત સંવેદનશીલ વિસ્તારોમાં તેમના જહાજો અને વિમાનો તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર પુરીથી પશ્ચિમ બંગાળ સુધીના તમામ પૂર્વીય તટીય વિસ્તારો આ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે.
દરમિયાન ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું છે કે રાજ્ય સરકારે ચક્રવાતની અસરનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમણે કહ્યું કે 250 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. જ્યાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.