બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પહેલાથી જ વરસાદ પડી રહ્યો છે. જો કે ગુજરાતમાં તેની અસર નહિવત છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે વરસાદ પડ્યો છે. ભાવનગરમાં પણ વરસાદ પડ્યો છે.
દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાત વાવાઝોડામાં તીવ્ર બન્યું છે અને આ વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટશે. દક્ષિણ કિનારે અને રાયલસીમાના ઘણા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાન્કી કુર્મનાથે જણાવ્યું હતું કે, આવતીકાલે સવાર સુધીમાં તોફાન પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. દક્ષિણ કિનારા અને રાયલસીમામાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તે 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાતના સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. સિટી લાઈટ, અઠવાગેટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે વાવાઝોડા બાદ ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભાલ પંથકના અનેક ગામોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અસહ્ય વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભાલના સાંનેશ, ગણેશગઢ, કોટડા, ભાડભીડ, મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
મંગળવારે ચેન્નઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ ઘૂંટણિયે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે રોજિંદા જીવનને અસર થઈ હતી. અવિરત વરસાદને કારણે ટ્રાફિક જામ થયો, જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઈટ્સ રદ થઈ. સધર્ન રેલવેએ પાણી ભરાવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.