ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે, પરંતુ વરસાદી માહોલ જારી રહી શકે છે.
2 અને 3 ઓક્ટોબરે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે (29 સપ્ટેમ્બર 2024) દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની સંભાવના છે. IMD એ 2 થી 4 ઓક્ટોબર સુધી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
આ સ્થળોએ 30 સપ્ટેમ્બરે પણ વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી યુપીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આંબેડકર નગર, બહરાઈચ, અમેઠી, ગોંડા, બુલંદશહર, જૌનપુર અને સુલતાનપુરમાં વરસાદને કારણે ધોરણ 8 સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 અને 30 સપ્ટેમ્બર 2024ના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી NCR, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે સામાન્ય જનજીવન પાટા પર આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. IMDએ બિહારના 13 જિલ્લાઓને પૂરને લઈને આગામી 24 કલાક સુધી એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજ્યની કોસી, ગંગા અને ગંડક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.