ટાટા ગ્રુપ ભારતનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ છે. ભારતના લોકો વર્ષોથી આ બ્રાન્ડમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. મીઠાથી લઈને ટ્રક સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતા ટાટા ગ્રુપનો ઈતિહાસ લગભગ 150 વર્ષ જૂનો છે. માત્ર 21 હજાર રૂપિયાથી શરૂ થયેલો ટાટા ગ્રુપનો બિઝનેસ આજે લાખો કરોડ સુધી પહોંચી ગયો છે. પરંતુ સફળતાની આ સફર એટલી સરળ ન હતી. જેઆરડી ટાટા અને રતન ટાટાએ તેને જમીનથી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા ગ્રુપનો આગામી અનુગામી કોણ હશે? આ અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. જેમાં માયા ટાટાનું નામ સૌથી આગળ છે.
કોણ છે માયા ટાટા?
તમને જણાવી દઈએ કે માયા ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની સાવકી ભત્રીજી છે. માયા નોએલ ટાટા અને અલુ મિસ્ત્રીની પુત્રી છે, અલુ મિસ્ત્રી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રી છે અને ટાટાના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન છે.
માયા ટાટાનું શિક્ષણ
માયા ટાટાએ જો બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ટાટા કેપિટલની પેટાકંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી કરી હતી. જ્યાં તેમણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકારોના સંબંધોના ક્ષેત્રમાં ઊંડી નિપુણતા મેળવી.
ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડમાં જોડાયા
માયા ટાટા હાલમાં ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ સભ્યોમાંથી એક છે, જે કોલકાતા સ્થિત અગ્રણી કેન્સર હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલનું ઉદઘાટન રતન ટાટાએ 2011માં કર્યું હતું. તેણીની સક્રિયતા અને યોગદાન સૂચવે છે કે તે ભવિષ્યમાં ટાટા ગ્રુપનું નેતૃત્વ કરી શકે છે.