ગત સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી વરસાદ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (1 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આજે હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, હાલમાં ઓડિશાના દક્ષિણ ભાગમાં ડિપ્રેશન સક્રિય છે, જે ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ સક્રિય થશે, જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.