ચીનમાં યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ યુગાંગ ગ્રોટોઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, સ્થાનિક સત્તાધિકારીએ અહીં સ્થાપિત શૌચાલયમાં ટાઈમર લગાવ્યા હોવાના અહેવાલ છે.
સીએનએનના અહેવાલ મુજબ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ યુગાંગ ગ્રોટો ઘણા લોકોને આકર્ષિત કરી રહ્યા છે કારણ કે ઓથોરિટીએ મહિલા શૌચાલયમાં ટાઈમર લગાવ્યા હોવાના અહેવાલ છે. શૌચાલયમાં ટાઈમર હોવાની હકીકત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાંક્સી પ્રાંતના ડાટોંગ શહેરમાં એક બૌદ્ધ સ્થળની મુલાકાત લેનાર પ્રવાસીએ તેનું ફિલ્માંકન કર્યું અને રાજ્ય સંચાલિત સ્થાનિક અખબારને વીડિયો મોકલ્યો. આ વિડિયોમાં દરેક શૌચાલય ડિજિટલ ટાઈમર સાથે જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ટોઈલેટ ખાલી હોય છે ત્યારે તે એલઈડી પર લીલો રંગ દર્શાવે છે. તે જ સમયે, જ્યારે શૌચાલયનો ઉપયોગ થાય છે, ત્યારે મિનિટ અને સેકંડમાં સ્ક્રીન પર ટાઈમર ચાલુ થાય છે. શૌચાલય કેટલા સમયથી ઉપયોગમાં છે તે પણ સ્ક્રીન પર દેખાય છે.
ચીનના શાંક્સી પ્રાંતના ડેટોંગ શહેરમાં સ્થિત યુંગાંગ ગ્રૉટોઝ તેની 252 ગુફાઓ અને 51 હજાર બુદ્ધની મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. વર્ષ 2001માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી હતી. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. વર્ષ 2023માં લગભગ 30 લાખ પ્રવાસીઓ તેને જોવા માટે આવ્યા હતા. યુંગાંગ ગ્રોટોઝના સ્ટાફ મેમ્બરનું કહેવું છે કે આ વર્ષે 1 મેથી ટોયલેટ ટાઈમરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે આ ટેક્નોલોજી માટે વપરાયેલી રકમ વધારાના શૌચાલય બનાવવા માટે વધુ સારી રીતે ખર્ચી શકાઈ હોત.